ચોમાસામાં મુલાકાત લો આ અદ્ભુત વોટરફોલની

સામાન્ય રીતે ફરવાનું બધાને જ ગમતું હોય છે. પરંતુ જયારે વરસાદ એટલે કે ચોમાસાની ઋતુ હોય ત્યારે ફરવાની મજા જ કાઇક અલગ હોય છે. કારણ કે આ ઋતુમાં પ્રકૃતિ ચારે બાજુએ ખીલી ઉઠે છે. જેમાં આપણને પહાડો, નદીઓ, તળાવો વગેરે જગ્યાએ ફરવાનું મન થાય છે. ભારતમાં અનેક એવી જગ્યાઓ છે જે કુદરતી દ્રશ્યો માટે અન્ય દેશોમાં દુર્લભ જ જોવા મળે છે. અને એમાં ચોમાસા દરમિયાન તો ચારેબાજુ હરિયાળી જ હોય છે. ચોમાસાને ફરવા માટે ઉત્તમ ઋતુ માનવામાં આવે છે. આજે અમે તમને એવા જ એક દૂધસાગર ધોધ વિશે જણાવવાના છીએ.


દૂધસાગર ધોધ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલ  ગોવા તથા કર્ણાટક રાજયની સરહદ પર વહેતી મંડોવી નદી પર આવેલો છે. આ ધોધ ચાર ભાગમાં વહેંચાયેલો છે. જે ખુબ જ આકર્ષક છે. દૂધસાગર ધોધ ભારતના સૌથી ઊંચાઈ ધરાવતા ધોધ પૈકીનો એક ગણાય છે, જેની ઉચાઇ ૩૧૦ મીટર (૧૦૧૭ ફૂટ) તેમજ સરેરાશ પહોળાઈ ૩૦ મીટર (૧૦૦ ફૂટ) જેટલી છે.


દુનિયાના સૌથી સુંદર, અદ્ભુત અને શાનદાર ધોધમાંથી એક છે દૂધસાગર ધોધ. આને જોતાં એવું લાગે છે જાણે કોઈ ઊંચા પહાડમાંથી દૂધ વહી રહ્યું છે. ચોમાસા દરમિયાન આ ધોધ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.વરસાદની મોસમમાં અહી ફરવાની મજા જ કઈક અલગ હોય છે. કારણ કે આ ધોધ જંગલો ઊંચા શિખરો તેમજ હરિત પશ્ચિમ ઘાટથી ઘેરાયેલ છે.

આ ધોધ સહયાદ્રી પર્વતમાળામાં આવેલા ભગવાન મહાવીર અભયારણ્ય તથા મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાનના રક્ષિત વિસ્તારમાં આવેલો છે. આ મંડોવી નદી વડે જ કર્ણાટક અને ગોવા રાજ્યની સરહદ અંકાયેલી હોવાથી આ ધોધ બે રાજ્યોને અલગ પાડે છે. આ ધોધની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે. આ ધોધ જોવા માટે ચોમાસાનો સમય યોગ્ય છે, કારણ કે ત્યારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વેગીલો અને ભરપૂર હોય છે.

Comments